ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતાની વાત તથ્યો સાથે મૂકવી જોઇએ, આધારવિહોણા આરોપો પર તર્ક-વિતર્ક લોકશાહીને નબળી કરે છે : લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા
વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષય
વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તેમજ શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ
સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખવું સુદૃઢ લોકશાહી માટે યોગ્ય નથી
સૂત્રોચ્ચાર કરી તેમજ કાર્યવાહીમાં વિક્ષેપ નાખી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે
૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો લોકસભા અધ્યક્ષશ્રી ઓમ બિરલાએ ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો

વિધાનસભા અધ્યક્ષ-મુખ્યમંત્રીશ્રી-મંત્રીશ્રીઓ-સાંસદશ્રીઓની પ્રેરક ઉપસ્થિતી :દ્વિ-દિવસીય કાર્યશાળામાં સંસદીય કાર્યપદ્ધતિ વિષયક ૧૦થી વધુ સત્રોમાં ધારાસભ્યોને વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે
ધારાસભ્ય તરીકેના સેવા દાયિત્વ-સૌભાગ્યની જનતા જનાર્દને આપેલી અમૂલ્ય તકથી રાષ્ટ્રસેવા-સમાજહિત માટેની નૈતિક જવાબદારી નિભાવીએઃ- મુખ્યમંત્રીશ્રી
શ્રી ભૂપેન્દ્ર પટેલ..
સંસદ-વિધાનસભા લોકશાહીના મંદિર છે-સર્વકલ્યાણના ભાવ સાથેના કતૃત્વ અને વકૃત્વથી તેની પવિત્રતા જાળવવી આપણી ફરજ છે
સંસદીય કાર્યશાળાની તાલીમથી વિધાયકો ગૃહની કામગીરીમાં અસરકારકતાથી સહભાગી થઇ શકશે
લોકપ્રતિનિધિ તરીકેની ભૂમિકા સુપેરે નિભાવી પ્રજા સમસ્યાના સુખદ ઉકેલ માટે સામાન્ય સહમતિથી જનકલ્યાણ નિર્ણયો થાય તેવું દાયિત્વ દાખવીએ
ધારાસભ્યશ્રીઓને કાર્યશાળા દરમિયાન સંસદીય કાર્યપ્રણાલીને શીખવા-સમજવાનો અનુરોધ કરતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

૧પમી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં
આવ્યું છે.
લોકસભા અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.
શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની ૧૫મી વિધાનસભા એ યુવાશક્તિ તેમજ અનુભવનું અનોખો સુમેળ છે. રાજ્ય વિધાનસભામાં ૮૨ જેટલા નવા ચૂંટાયેલા સભ્યો છે અને ૧૫ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે કે જેમાંથી ૮ મહિલાઓ પહેલી વાર સભ્ય બની છે. તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શ્રી બિરલાએ કહ્યુ હતું કે જનપ્રિતિનિધિ હોવાના નાતે તેમના પર મતદારોના પ્રશ્નોના ઉકેલ લાવવાની મોટી જવાબદારી છે. તેથી વિધાનમંડળોએમાં ચર્ચા તથા સંવાદ થવા જોઇએ તથા ચર્ચાનું સ્તર ઉચ્ચતમ રહેવું જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્ય વિધાનસભાઓમાં ચર્ચા તેમજ સંવાદનું સ્તર જેટલું ઉંચુ હશે, તેટલા જ કાયદાઓ વધુ શ્રેષ્ઠ બનશે. ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે એ જરૂરી છે કે સભ્યોને નિયમો તેમજ પ્રક્રિયાઓની માહિતી હોય. તેથી ગૃહે ચર્ચા તથા સંવાદનું એક અસરકારક કેન્દ્ર બનવું જોઇએ કે જેથી આપણી લોકશાહી વધુ મજબૂત બને.
પ્રિસાઇડિંગ ઑફિસરોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શ્રી બિરલાએ જણાવ્યુ હતું કે પ્રિસાઇડિંગ ઑફિસરની જવાબદારી છે કે તેઓ ગૃહની ગરિમા વધારવાની દિશામાં કાર્ય કરે. ગૃહોમાં ચર્ચાઓનું સ્તર નીચે જવું તથા ગૃહની ગરિમામાં ઘટાડો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય એ જ હોય છે કે જે ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતી ચર્ચા તથા સંવાદમાં ભાગ લે અને ગૃહની પ્રતિષ્ઠામાં વધારો કરે. સભ્યોએ તથ્યો સાથે પોતાની વાત મૂકવી જોઇએ, કારણ કે આધારવિહોણા આરાપો પર તર્ક-વિતર્ક લોકશાહીને નબળી કરે છે.
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યુ હતું કે ગૃહમાં વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તથા શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ, પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવાની પરમ્પરા સર્જવામાં આવી રહી છે, તે લોકશાહી માટે યોગ્ય નથી. ગૃહમાં ચર્ચા, વાદ-વિવાદ, અસંમતિ હોઈ શકે, પરંતુ ગૃહમાં ગતિરોધ ક્યારેય ન હોવો જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો તથા પ્રક્રિયાઓ અને અગાઉના વર્ષોના વાદ-વિવાદનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સભ્યો નિયમો, પ્રક્રિયાઓ તથા અગાઉના વર્ષોમાં થયેલ વાદ-વિવાદોથી જેટલા વધુ વાકેફ બનશે, તેટલા જ તેમના પ્રવચનો સમૃદ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સૂત્રોચ્ચાર કરવા તથા વિધાનસભાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાથી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે.
‘વન નેશન, વન ડિજિટલ પ્લેટફૉર્મ’નો ઉલ્લેખ કરતા શ્રી બિરલાએ જણાવ્યુ હતું કે વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ કાર્ય ચાલી રહ્યું છે કે જેથી તમામ રાજ્યોની વિધાનસભાઓ તથા તેમના દ્વારા પસાર કરાયેલ કાયદાઓ પર થયેલ વાદ-વિવાદ અને ચર્ચાઓને એક પ્લેટફૉર્મ પર લાવી શકાય. આ સંદર્ભે, શ્રી બિરલાએ વિધાનમંડળોની કાર્યદક્ષતામાં સુધારા માટે ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ તથા શોધ કાર્યને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
ભારતને મળેલ જી-૨૦ની અધ્યક્ષતાનો ઉલ્લેખ કરી શ્રી બિરલાએ જણાવ્યું હતું કે આ ભારતની સમૃદ્ધ લોકશાહી પરમ્પરા તેમજ સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરવાનો એક ઐતિહાસિક પ્રસંગ છે.
આ કાર્યશાળાના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના સભ્યોને ‘અસરકારક ધારાસભ્ય કેમ બનવું ?’, ‘સમિતિ પ્રણાલી તથા સંસદીય પ્રશ્ન’, ‘બજેટ પ્રક્રિયા’, ‘સંસદીય પ્રક્રિયા’, ‘જી-૨૦માં ભારતની અધ્યક્ષતા’, ‘ગૃહમાં તાકિદની જાહેર અગત્યની બાબતોને ઉઠાવવાના પ્રક્રિયાત્મક સાધનો’, ‘વિધાનસમંડળોનું કાર્યકરણ : શું કરવું અને શું ન કરવું ?’, ‘સંસદીય વિશેષાધિકાર તેમજ આચાર’ અને ‘લોકશાહીમાં બંધારણીય સંસ્થાઓનું મહત્વ’ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવનાર છે.
આ બે દિવસીય સંસદીય કાર્યશાળાનું સમાપન ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે. ગુજરાત વિધાનમંડળના સભ્યો માટે આ સંસદીય કાર્યશાળાનું આયોજન લોકસભા સચિવાલયના સંસદીય લોકશાહી શોધ તથા તાલીમ સંસ્થા (પ્રાઇડ) દ્વારા ગુજરાત વિધાનસભા સચિવાલયના સહકારથી કરવામાં આવી રહ્યું છે.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ધારાસભ્ય તરીકેના સેવા દાયિત્વ, સૌભાગ્યની જનતા જનાર્દને આપેલી અમૂલ્ય તકથી રાષ્ટ્રહિત-સમાજહિત માટેની નૈતિક જવાબદારી સૌ નિભાવીએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશીને શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ કાર્યશાળા ૧પમી વિધાનસભાના પ્રત્યેક નવ નિર્વાચિત જનપ્રતિનિધિ માટે જાહેરજીવન અને પ્રજા સેવા સમર્પણનો સુવર્ણકાળ બનશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત દેશના મોડેલ સ્ટેટ અને ગ્રોથ એન્જીનના રૂપમાં વિકસ્યુ છે. એટલું જ નહિ, રાજ્યના વિકાસની ચર્ચા થાય ત્યારે વિધાનગૃહ, ગૃહમાં બનેલા કાયદા કાનૂન તથા સુશાસન-ગુડ ગર્વનન્સને બળ આપનારા નિર્ણયોની ચર્ચા પણ અવશ્ય થાય છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સંસદ ગૃહ અને વિધાનસભા ગૃહોને લોકશાહીના મંદિર સમાન ગણાવતાં જણાવ્યું કે, સર્વકલ્યાણના ભાવ સાથેના કતૃત્વ અને વકૃત્વથી આ મંદિરની પવિત્રતા, ગરિમા જાળવવી એ જનપ્રતિનિધિની ફરજ છે.
મુખ્યમંત્રીશ્રીએ સંસદીય કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યુ કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંસદીય લોકશાહી પ્રણાલિ, કાર્યપદ્ધતિ અને નિયમોની વિસ્તૃત જાણકારી આપવાનો આ પ્રયાસ અભિનંદનીય છે.
તેમણે જણાવ્યું કે, આ તાલીમનો લાભ લઇ વિધાયકો ગૃહમાં અસરકારક રીતે સહભાગી થઇ શકશે. લોક પ્રશ્નોને સભાગૃહમાં યોગ્ય રીતે રજુ કરીને સમસ્યાના સુખદ ઉકેલ માટે સરકારને મદદરૂપ પણ બની શકશે.
મુખ્યમંત્રીશ્રીએ લોકપ્રતિનિધિ તરીકેની ભૂમિકા સક્રિયતાથી નિભાવીને સામાન્ય સહમતિથી જનકલ્યાણ-પ્રજાહિતના નિર્ણયોમાં સહભાગી થવા પણ હિમાયત કરી હતી.
તેમણે આ દ્વિ દિવસીય કાર્યશાળાની ચર્ચાઓ અને નિષ્કર્ષ નવ નિર્વાચિત સદસ્યોના સંસદીય કાર્યકાળ માટે ફાયદાકારક રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં ઉમેર્યુ કે, કાર્યશાળામાં જે માર્ગદર્શન મળશે તે પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે અને સંસદીય કાર્યપ્રણાલિના ઉચ્ચત્તમ મૂલ્યો જાળવવા માટે ઉદ્દીપક બનશે.
*વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*
ગુજરાતના ધારાસભ્યશ્રીઓ માટે આયોજિત સંસદીય કાર્યશાળાના શુભારંભે સ્વાગત પ્રવચન કરતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલી, નિયમો અને ગૃહની કામગીરીથી પરિચિત થાય અને તેમના કર્તવ્યોનું સુચારુ રીતે પાલન કરી જનતાની આકાંક્ષાઓ ઉપર ખરા ઉતરી શકે તે માટે આ વિશેષ કાર્યશાળાના આયોજન કરવામાં આવ્યું છે. સંસદીય કાર્યપ્રણાલીના વિવિધ વિષયો વાંચન કરતાં અનુભવોથી વધારે સારી રીતે સમજી શકાય છે અને એટલા માટે જ એક નવતર પહેલના ભાગરૂપે સંસદીય કાર્યશાળાનું આયોજન કરાયું છે. આ પહેલને આવકારતા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી તેમની ટીમ સાથે કાર્યશાળામાં પધાર્યા તે બદલ અધ્યક્ષશ્રીએ લોકસભા અધ્યક્ષશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા આજે દેશ દુનિયામાં છે. ગુજરાતના વિકાસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિધાનસભાના ધારાસભ્યો માટે સતત યોજાતી તાલીમની ખૂબ જ મોટી ભૂમિકા છે. આ જ પરંપરાને આગળ વધારતા આ બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ જનપ્રતિનિધિઓને આવકારતા કહ્યું હતું કે, કાર્યશાળાના બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર ૧૦ જેટલા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુભવી અને વિષય નિષ્ણાત વક્તાઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. સૌ જનપ્રતિનિધિઓ આ સત્રમાં હાજર રહીને કંઇક નવું શીખવા અને સંસદીય પ્રણાલીને સમજવા સૌને અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર ઐયુબ રાઠોડ ભાવનગર
0 Comments