

રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની છે - શ્રી વિશ્વાનંદ માતાજી
------
સરવેડી ગામે મહિલા કોલેજ વાળુકડ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રારંભ
------
શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ વાળુકડ દ્વારા સરવેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર ઉદ્દઘાટનમાં શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની રહેલી છે.
શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ વાળુકડ દ્વારા સરવેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિર તા. ૨૨ થી ૨૮ જાન્યુઆરી સુધી યોજાનાર છે.
‘સ્વતંત્રતા સુવર્ણ જયંતિ' ઉજવણી નિમિત્તે 'શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ' વિષય સાથે આ શિબિરના ઉદ્દઘાટનમાં અધ્યક્ષસ્થાને રહેલા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની રહેલી છે. અહી જોડાયેલ વિદ્યાર્થીનીઓને અભ્યાસ દરમિયાન લક્ષ નક્કી કરવા જણાવી રામચરિત માનસના ઉલ્લેખ સાથે વિદ્યા, વિનય, નિપૂણતા, ગુણ અને શીલ એમ પાંચ બાબત આ કાળમાં અનિવાર્ય ગણાવી હતી.
આ શિબિરનાં પ્રારંભ પ્રસંગે મુખ્ય અતિથિ સ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ શ્રી સ્મિતાબેન જાળેલા સાથે સંસ્થાના વડા શ્રી રાઘવભાઈ ધામેલિયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વનરાજસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
સંસ્થાના ફરજ પરના આચાર્શ્રી દિનેશભાઈ વાજા અને યોજના અધિકારીશ્રી લતાબેન બાલધાના સંકલન સાથે શિબિર પ્રારંભે અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.
અહી અગ્રણીઓશ્રી ગજેન્દ્રસિંહ ગોહિલ, શ્રી પ્રવીણભાઈ વાઘાણી, શ્રી નરશીભાઈ વાઘાણી, શ્રી લક્ષ્મણભાઈ વાઘાણી, શ્રી ખીમજી ભાઈ વાઘાણી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
------
0 Comments