મહુવાના ભવાની મંદિરે "માનસ: માતુ ભવાની" કથાનું મંગલાચરણ..

ગાયન અને વાંચનનો થાક ન લાગે તે રામચરિત માનસનું મહાત્મ્ય: મોરારીબાપુ મહુવાના ભવાની મંદિરે "માનસ: માતુ ભવાની" કથાનું મંગલાચરણ મહુવા અરબ સાગરના તટે મહુવા નજીક આવેલાં ભવાની મંદિર ખાતે" માનસ :માતુ ભવાની" રામચરિત માનસ કથાનો આજે બપોરે ચાર કલાકે પ્રારંભ થયો. કથાના પ્રારંભે ભવાની મંદિર ટ્રસ્ટના અગ્રણી શ્રી પ્રફુલભાઈ પંડ્યા એ પોતાના સંબોધનમાં આ મંદિરના વિકાસ અને પુનરોદ્ધાર માટે આ કથા ખૂબ મહત્વની હોવાનું અને પૂ. મોરારીબાપુ અને યજમાન શ્રી ચીમનભાઈ વાધેલાએ આ કથા ભવાની મંદિરને આપીને સમગ્ર મહુવા પંથક માટે મહત્વનું કામ કર્યું હોવાનો ભાવ પ્રગટ કર્યો. કથાનો પ્રારંભ કરતા મોરારીબાપુએ કહ્યું કે તલગાજરડાના વાયુમંડળમાં તથા ગાન કરવાનો ખૂબ રાજીપો હોય છે. એટલો જ ઉંમળકો સમગ્ર કથા જગત સાથે જોડાયેલાં ફ્લાવર્સનો પણ રહ્યોં છે. તેથી બધાને તલગાજરડા વાયુમંડળ એટલે કે તલગાજરડા આસપાસનો દસમાઈલના વિસ્તારમાં કથા સાંભળવા બધા લોકો હોંશે આવે છે. તેનો હું પણ રાજીપો પ્રગટ કરું છું. મોરારીબાપુએ કહ્યું કે આ વિસ્તારમાં હું નાનપણમાં અમારા શિક્ષક જગન્નાથ ભાઈ ની પાસે જ્યારે ભણતો હતો ત્યારે સૌ પહેલો પ્રવાસમાં આવેલો અને ત્યારબાદ ઘણાં પ્રસંગોએ અહીં આવવાનું થયેલું અને તેમાં અમારા હાઈસ્કૂલના આચાર્ય મ.ના. મહેતા સાહેબે અહીં ભવાની મંદિર ખાતે એક કથાનું આયોજન કરવાનો પોતાનો મનોરથ પ્રગટ કરેલો અને ત્યારથી મારા મનો જગતમાં આ વિસ્તારમાં માંની સામે એક અનુષ્ઠાન કરવાનો વિચાર સતત ઘોળતો હતો અને આજે તે મૂર્તિમંત થયો છે. આ કથા સંપૂર્ણ સ્વાન્ત: સુખાય કથા છે. હવે આ વાયુમંડળ નું એક સ્થાન છે.,ભૂતનાથ મહાદેવ કે જ્યાં હું રાત્રે ત્રણ વાગ્યે ફાનસ લઈને ગારો ખૂંદીને શ્રાવણ મહિનામાં અભિષેક કરવાં આવતો હતો. ત્યાં "માનસ ભૂતનાથ "કરવાનો મારો મનોરથ છે. આ કથા એ દાનાભાઈ ફાફડા વાળાને આપીએ છીએ.જ્યારે યોગ થશે ત્યારે તેનું આયોજન થશે. મોરારીબાપુએ બાલકાંડનો એક દોહો કેન્દ્રીય કરીને કથાનું મહાત્મ્ય આજે સમજાવ્યું હતું. રામચરિતમાનસમાં ત્રણ વખત માતુ ભવાની શબ્દ તુલસીજીએ લખ્યો છે.અનેક વખત ભવાની શબ્દનો પ્રયોગ તો થયો જ છે.માં ભવાનીના પર્યાયવાચી શબ્દો 24 વખત છે.ક્યાંક ગિરિરાજ કિશોરી, ઉમા, અંબિકા જેવા નામનો ઉલ્લેખ થયો છે.શા માટે ત્રણ વખત જ?તો એનું કારણ છે ત્રિસત્ય.એક રૂપ કન્યા- દીકરીના રૂપમાં બીજું પત્નીના રૂપમાં અને ત્રીજું માતૃ રૂપા છે.કન્યા હંમેશા સત્યરૂપા પત્ની પ્રેમરૂપા અને માતા કરુણારૂપા હોય છે.રામકથાનું મહાત્મ્ય શું છે? બાપુએ કહ્યું કે બીજું મહાત્મ્ય શું કહેવું પણ મારી સાથે જ જે પણ લોકો ભણતા,એ બધા જ કોઈને કોઈ રીતે શારીરિક રીતે ક્યાંક ને ક્યાંક અસહાય થઈ ગયાં છે અને હું સ્વસ્થ છું.આ જ કથા મહાત્મ્ય છે. બાપુએ પ્રવાહી પરંપરામાં મંગલાચરણના સાત મંત્રો અને વંદના પ્રકરણમાં માતૃ વંદના પિતૃવંદના આચાર્ય વંદના ગુરુવંદના અને હનુમાનજીની વંદનાનું ગાન કરી હતી. આજે કથાનું સમાપન માનસ મહાત્મ્ય સાથે થયું હતું.મોટી સંખ્યામાં કથા પ્રેમીઓ ભવાની મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.હજુ ઉતરોતર સંખ્યા વધવાની પ્રબળ સંભાવના છે.

Post a Comment

0 Comments